અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. યાર્ડમાં રાખવામાં આવેલા કપાસના મોટા જથ્થામાં અચાનક જ્વાળાઓ ઉઠતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

બાબરા યાર્ડના જાણીતા વેપારી અશ્વિનભાઈ ટાઢાણીએ ખેડૂતો પાસેથી ખરીદેલા કપાસનો ઢગલો યાર્ડમાં રાખ્યો હતો. આજે કોઈ અગમ્ય કારણોસર આ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયર ફાઈટર દ્વારા આગ પર મેળવાયો કાબૂ

આગની જાણ થતા જ બાબરા નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કપાસનો મોટો જથ્થો બળી જવાથી વેપારીને ભારે નુકસાન થયું છે. યાર્ડ સત્તાધીશો દ્વારા હવે આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો