બોટાદ જિલ્લાના ટાટમ ગામના રહેવાસી ભનીબેન હરેશભાઈ મણદુરિયા નામના મહિલા ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા હોસ્પિટલ પરિસરમાં તંગદિલી સર્જાઈ હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબોની લાપરવાહીને કારણે ભનીબેનનું મોત થયું છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.


તબીબની બેદરકારીથી મોતના પરિજનના આક્ષેપ

કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી ન્યાયની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે: હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા પરિવારને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા તપાસના આદેશ

પોલીસે હાલ એડી (Accidental Death) દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મહિલાનું મોત કુદરતી કારણોસર થયું છે કે ખરેખર કોઈ તબીબી ક્ષતિ રહી ગઈ હતી. આ ઘટનાથી સરકારી હોસ્પિટલોમાં મળતી સારવાર સામે ફરી સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: