અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડરના ગામડાઓમાં શિકારની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા બાદ ટીકળખોળો સિંહોની પજવણી કરતા હોવાના બનાવો સામે આવતા રહે છે. અમરેલી જિલ્લાની મનાતી આવી જ એક ઘટના એક વાયરલ વીડિયો થકી સામે આવી છે. જેને લઈને વનવિભાગે પણ તપાસનો દોર આગળ વધાર્યો છે.
કારમાંથી જ શૂટ કરવામાં આવેલા વાયરલ વીડિયો પરથી જણાય છે કે રાતનો સમય છે. ગામમાં સિંહણ આવી ચડી છે. એક કારમાં મ્યુઝિક વાગી રહ્યું છે, ગીત સંગીત વગાડતા વગાડતા કાર ચાલક સિંહણ પાછળ કાર દોડાવે છે, એને ગામની બહાર કાઢે છે, એટલું જ નહીં છેક સીમમાં વાડીએ જવાના કાચા રસ્તા સુધી સિંહણનો પીછો કરે છે, અને સિંહણ રસ્તો ચાતરીને ઝાડીમાં પ્રવેશી જાય છે, ત્યાં સુધી તેનો પીછો કરવામાં આવે છે. ધારીના ડીસીએફ્ વિકાસ યાદવે તપાસ અધિકારી મૂકીને તપાસના આદેશ આપ્યા છે. સિંહોની પજવણીના તમામ વાયરલ વીડિયોની તપાસ માટે મોબાઇલ સ્ક્વોડ RFOને નોડલ બનાવવામાં આવ્યા છે. તેઓ સંબંધિત સ્થાનિક RFO સાથે વધુ સંકલન કરશે અને સમયાંતરે DCFને રિપોર્ટ સુપરત કરશે.










