અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામનો એક મહત્વનો બ્રિજ અત્યારે ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ઢૂંઢિયા પીપળીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આશરે રૂપિયા 50 થી 60 લાખના તોતિંગ ખર્ચે બની રહેલા આ પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોલમલોલ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નબળી કામગીરી સામે કોઈ વિપક્ષે નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ એક સક્રિય કાર્યકર્તાએ અવાજ ઉઠાવીને પોતાની જ સરકારના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને કઠેડામાં ઊભા કરી દીધા છે.
તમામ નીતિ-નિયમો નેવે મુકાયા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડિયા અને ઢૂંઢિયા પીપળીયા વચ્ચેનો આ માર્ગ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. રાત-દિવસ ખેડૂતો પોતાનો માલ-સામાન લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવા માટે આ જ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે. આ પુલનું કામ છેલ્લા એક વર્ષથી એકદમ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહનચાલકો ઓલરેડી પરેશાન હતા. હવે જ્યારે ચોમાસું માથા પર છે, ત્યારે પુલના કામમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા હોવાનું સપાટી પર આવ્યું છે.
