અમરેલી નજીક ગેરકાયદેસર રીતે નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની વાતને આધારે પોલીસે દરોડો પાડી આખે આખી ફેક્ટરી ઝડપી પાડી છે. જોકે ફેક્ટરી સંચાલક કે કામ કરનારા કોઈ પણ કર્મચારીઓ પોલીસની ઝપટે હજુ સુધી ચડયા નથી જેના કારણે આશ્ચર્ય સર્જાયું છે.

અમરેલી જિલ્લામાં આવા બનાવટી ખાતર બનાવી અને ખેડૂતોને વેચાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમ દ્વારા તપાસ ચાલી રહી હતી. બાબરા તાલુકાના ખંભાળા ગામે ફર્ટિલાઈઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઇફ્કો કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિકની બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર ભરી વેચાણ કરવા અંગેનો ગુનો નોંધાયેલો હતો. જેની તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાન અમરેલીના મોટા આંકડિયા પીપળલગ રોડ ઉપર આવેલ નિરીમા એગ્રી પ્રોડક્સ નામની ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ ખાતર બનતું હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડયો હતો. આ ફેક્ટરીમાંથી પોલીસને હલકી ગુણવત્તાનું એમોનીયમ સલ્ફેટ ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-50 કિલો નંગ-502, રૂ.4.76.900, ખાતર ભરેલ પ્લાસ્ટિકની બેગ-25 કિલો, નંગ-720, કિ.રૂ.6,84,000, સરોવર-સરદાર ઈમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટીલાઇઝર કોર્પોરેશન લખેલ પ્લાસ્ટિકની ખાતર ભરવા ઉપયોગમાં લેવાતી ખાલી બેગ નંગ-5600, કિ. રૂ.14,000, હલકી ગુણવત્તાનું ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મશીનરી નંગ-3. રૂ. રૂ.8,50,000 મળીને રૂ.16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ફેક્ટરીનો સંચાલક ભરત ચીમનભાઈ ધાનાણી રહે.લાલાવદર, તા.જી.અમરેલી, હાલ રહે.સુરત વાળો મળ્યો નથી કે અહીં કામ કરનારા અન્ય કોઈ વ્યક્તિ પણ હજુ સુધી પોલીસના હાથ લાગ્યા નથી.

ફેક્ટરીમાં અનેક લોકોની સંડોવણીની શક્યતા

અમરેલી નજીકથી પોલીસને નકલી ખાતર બનાવવાની આખે આખી ફેક્ટરી મળી આવી છે તેમાં માત્ર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે વ્યક્તિ પણ હાલ ફરાર છે. જ્યારે આ આખી ફેક્ટરીમાં અનેક લોકો કામ કરતા હોવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં તેના જુદા જુદા અને તેનો વેચાણ કરનારા અનેક લોકોના નામ આમાં ખુલે તેમ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો