અમરેલી જિલ્લામાં 2026ના વર્ષમાં એશિયાટિક સિંહના મોતની પ્રથમ ઘટના બની છે. અમરેલી સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદના હેમાળ નજીક અજાણ્યા વાહને એક સિંહણને કચડી નાખી હતી.
અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણિયા વાહને ટક્કર મારતા સિંહણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોંચી સિંહણનો મૃતદેહ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર રાત-દિવસ સિંહો રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાઈ છે ત્યારે સૌથી વધુ સિંહોના મોત પણ અમરેલી જિલ્લામાં જ થાય છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










