કુંકાવાવના નીલકંઠ શોપિંગ સેન્ટર પાસે ભૂગર્ભ ગટરની કુંડી પર લાંબા સમયથી ઢાંકણું (પાપડું) ન હોવાથી આજે એક ફોરવ્હીલ કાર તેમાં ખાબકી હતી. કારનું ટાયર ગટરમાં ફસાઈ જતા વાહનચાલકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોની મદદથી વાહનને બહાર કાઢવાની નોબત આવી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ કોઈ પહેલી ઘટના નથી. અહીં ભૂગર્ભ ગટરના ઢાંકણાં તૂટેલા હોવાથી અગાઉ પણ અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ગટરમાં ફસાઈ ચૂક્યા છે.
અવાર-નવાર વાહનો ઘુસી જવાની બને છે ઘટનાઓ
આ જોખમી ગટર બાબતે સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરવા કે મજબૂત ઢાંકણા બેસાડવાની તસ્દી લેવામાં આવતી નથી. લોકોમાં રોષ છે કે, શું તંત્ર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ માસૂમ બાળક કે વૃદ્ધ આ ગટરમાં ખાબકે તો તેનો જવાબદાર કોણ રહેશે?













