અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે કુદરતી આફતનો ડર ફરી જોવા મળ્યો છે. મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં પાંચ કલાકના ટૂંકા ગાળામાં સતત ત્રણ વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. વારંવાર ધ્રૂજતી ધરાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
રાત્રે આઠ પચાસ વાગ્યે 1.5 તીવ્રતાનો આંચકો
આજે બપોરે 4:10 વાગ્યે પ્રથમ આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ મિનિટોના અંતરે 4:30 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો. આ બે આંચકાઓ બાદ શાંતિ જણાતી હતી ત્યાં જ રાત્રે 8:50 વાગ્યે ફરી એકવાર 1.5ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, આંચકા હળવી તીવ્રતાના હોવાથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
