અમરેલીમાં વિદ્યાસભા સંચાલિત બીસીએ કૉલેજના પ્રવાસમાં તત્કાલીન નિયામક અને સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ દારૂ પીને વિદ્યાર્ર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપો બાદ આ કથિત ઘટનાના વિરોધમાં અમરેલી બીસીએ કૉલેજમાં શુક્રવારે એબીવીપીના નેજા હેઠળ છાત્રો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરવામાં આવ્યું હતું.
ગિરીશ ભીમાણીએ છેડતી કરી તેની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આથી વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ અમરેલીના છાત્રો બીસીએ કૉલેજના કેમ્પસમાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પછી વિદ્યાર્થીઓએ કૉલેજના કેમ્પસમાં બેસીને રામધૂન બોલાવી હતી અને આ માટે જવાબદારોને સદ્દબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગીરીશ ભીમાણી સામે એફઓઆર નોધવા અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અને ત્યાં સુધી આંંદોલન શરૂ રાખવાની ચિમકી આપવામાં આવી છે. જો નક્કર કાર્યવાહી ન થાય તો આંદોલનને વધુ જલદ બનાવવાની પણ ચિમકી આપવામાં આવી છે. આંદોલનને પગલે સંસ્થા દ્વારા બોલાવાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે છાત્ર નેતાઓ અને પોલીસ અધિકારીઓ આમને સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.










