સાવરકુંડલા શહેરમાં દિવાળીના પવિત્ર પર્વની રાત્રે આઠ દાયકાથી ઉજવાતી અનોખી અને પરંપરાગત લોકરમત એવા ઇંગોરિયા યુદ્ધનું આયોજન થયું હતું. આઠ દાયકાથી પેઢી દર પેઢી જળવાયેલી આ પરંપરા આજે પણ સાવરકુંડલાની આગવી ઓળખ બની રહી છે. દિવાળીની રાત્રે યોજાતા આ અનોખા ઇંગોરિયા યુદ્ધને નિહાળવા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. શહેરના નિર્ધારિત સ્થળે સામસામે બે જૂથો વચ્ચે ઇંગોરિયાંની આપ-લે સાથે આ રોમાંચક લોકપરંપરા જીવંત બને છે.ઇંગોરિયાં સામસામે ફેંકાતાં રાત્રિના અંધકારમાં અગ્નિની ચિનગારીઓનો અદભુત નજારો સર્જાય છે. જાણે આકાશમાં અગ્નિના રોકેટ છૂટતા હોય તેવો રોમાંચક માહોલ જોવા મળે છે. યુવાનોના ઉત્સાહ, લોકોની ભારે ભીડ અને ઇંગોરિયાંની આગવી રમતથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.સમય બદલાયો, યુગ બદલાયો, આધુનિક ઉજવણીનાં અનેક માધ્યમો આવ્યાં, પરંતુ સાવરકુંડલાની આ અનોખી ઇંગોરિયા યુદ્ધની પરંપરાએ આજે પણ પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. અગાઉની સરખામણીએ ઇંગોરિયાનાં વૃક્ષો ઓછાં થતાં પરંપરાગત ઇંગોરિયાંની ઉપલબ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં આ લોકપરંપરા પ્રત્યેનો લોકોનો ઉત્સાહ યથાવત્ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો