અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં કાઠિયાવાડી સંસ્કૃતિ અને પરંપરાગત રાસ-ગરબાની આગવી ઓળખ જાળવી રાખનાર જેસીંગપરા ગરબી મંડળનો ઇતિહાસ લગભગ એક સદી જૂનો છે. વર્ષ 1930માં રામજીભાઈ હંસરાજભાઈ કમાણી દ્વારા ખેડૂત શાળાની સ્થાપના સાથે આ પરંપરાની શરૂઆત થઈ હતી. હવે વર્ષ 2030માં આ પરંપરાને 100 વર્ષ પૂર્ણ થવાના છે. ખાસ વાત એ છે કે આજે પણ ખેડૂત પરિવારોના યુવાનો જ આ ગરબી મંડળની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. અમરેલીના જેસીંગપરા ગરબી મંડળે વર્ષોથી કાઠિયાવાડી રાસ-ગરબાની આગવી શૈલી જાળવી રાખી છે. પરંપરાગત ભરવાડીયા પોશાક, ચોરણી અને તાલબદ્ધ પગલાં સાથે યુવાનો રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. મંડળના યુવાનો વિવિધ પ્રકારની રચનાઓમાં એકસૂત્રતા સાથે રાસ રમે છે અને ચલતી પર પણ ઝડપથી ઘૂમી શકે છે. હાલ મંડળમાં 22 જેટલા યુવાનો છે અને લગભગ દસમી પેઢીના યુવાનો આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. દસ દસ પેઢી સુધી યુવાનો મંડળ હજુ પણ ચલાવતા હોય તેવું હાલ જવલ્લે જ જોવા મળતું હોય છે. આ ગરબી મંડળનો ઇતિહાસ રાજવી સમયથી લઈને આજના સમય સુધીની અનેક યાદગાર ઘટનાઓ સાથે જોડાયેલો છે. વર્ષ 1933માં વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ તરફ્થી મંડળને રાસ-ગરબા રમવા માટે આમંત્રણ મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો