સાવરકુંડલાથી અમરેલી તરફ્ આવતી એસટી બસને શેત્રુંજી પુલ પાસે ગમખ્વાર અકસ્માત નડતાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં દેવભૂમિ દેવળીયા ગામના એક જ પરિવારના પતિ, પત્ની, પુત્ર અને છ માસની પુત્રીનાં કરુણ મોત થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે એસટી બસના ચાલકનું પણ ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. બસમાં સવાર કુલ 65 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, તા. 20 નવેમ્બરના રોજ સાવરકુંડલા ડેપોની બસ નંબર જીજે-18-ઝેડટી-3660 સાવરકુંડલાથી સવારે 9:30 કલાકે અમરેલી જવા રવાના થઈ હતી. બસ શેત્રુંજી પુલ પરથી પસાર થઈ અમરેલી તરફ્ના છેડે પહોંચી રહી હતી તે દરમિયાન સામેથી આવતી બોલેરો સાથે બસની ચાલક તરફ્ના સાઈડ મિરરનો અકસ્માત થયો હતો. બોલેરોની બોડી સાથે સાઈડ મિરર અથડાતાં બસના સાઈડ ગ્લાસનો કાચ તૂટીને ફરજ પરના ચાલકના માથામાં વાગ્યો હતો. કાચ વાગતાં ચાલક બેભાન થઈ બસમાં જ ઢળી પડયા હતા. પરિણામે બસનો કાબૂ ગુમાવતાં બસ રોંગ સાઈડમાં જતી રહી હતી. આ દરમિયાન અમરેલી તરફ્થી સામેથી આવતી જીજે-23-સી-2401 નંબરની બાઈક સાથે બસ અથડાઈ હતી. બાઈક પર સવાર દેવભૂમિ દેવળીયા ગામના એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પતિ , પત્ની અને બે નાનકડા પુત્ર પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી પરિવારજનો અને ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. ગોગનભાઈ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. બીજી તરફ્ એસટી બસના ચાલક મેહુલભાઈ દિલુભાઈ વાળા (ઉં.વ. 27, રહે. સાવરકુંડલા)ને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેઓ બસમાં જ બેભાન થઈ ગયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફ્તે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો અને એસટી બસના ચાલક સહિત કુલ પાંચ વ્યક્તિઓનાં મોત થયાં હતાં. અકસ્માતમાં એસટી બસમાં સવાર કુલ 65 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ચાર 108 એમ્બ્યુલન્સ મારફ્તે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પ્રગતિમાં હોવાનું જાણવા મળ્યું છે.
