અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્નનો હરખ માતમના મનાજરમાં ફેરવાતા રહી ગયો છે. એક લગ્ન પ્રસંગમાં જમણવારમાં પીરસવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ લોહિયાળ ધીંગાણાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.


લગ્ન પ્રસંગમાં જમણવારમાં પીરસવા બાબતે જામ્યું ધીંગાણું

મળતી માહિતી મુજબ, ખીસરી ગામે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં જ્યારે જમણવાર ચાલી રહ્યો હતો, ત્યારે વાનગી પીરસવા બાબતે જાનૈયા પક્ષ અને માંડવા (કન્યા) પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદ જોતજોતામાં એટલો વકર્યો કે બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલા શરૂ થયા હતા.

બંને પક્ષના કુલ 13થી વધુ લોકો લોહીલુહાણ

આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 13થી વધુ લોકો લોહીલુહાણ થયા છે. ધીંગાણા દરમિયાન જાનૈયા પક્ષના અમુક શખ્સોએ પોતાની બોલેરો જીપ બેફામ હંકારીને લગ્નમંડપમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. જીપની અડફેટે આવવાથી અને મારામારીને કારણે લગ્ન પ્રસંગમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મહેમાનો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડાયા

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ધારી પોલીસનો કાફલો ખીસરી ગામે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં બંને પક્ષોની રજૂઆતના આધારે ગુનો નોંધવાની અને હુમલાખોરોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  • Follow us on: