અમરેલી જિલ્લાના બગસરામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય મુજબ ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. બગસરા કેન્દ્ર પર અત્યાર સુધી ચણાની મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી છે અને હવે રાયડાની ખરીદીનો પણ વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

ખેડૂત મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદી

મળતી માહિતી મુજબ, બગસરામાં અત્યાર સુધીમાં કુલ 1031 ખેડૂતો પાસેથી 3600 બોરી ચણાનો જથ્થો ટેકાના ભાવે લેવામાં આવ્યો છે. આ સફળ કામગીરી બાદ હવે રાયડાની ખરીદી પણ શરૂ કરાઈ છે. રાયડાની ખરીદીના પ્રથમ દિવસે 7 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 3 ખેડૂતોનો રાયડાનો માલ સ્વીકારવામાં આવ્યો હતો.

ચણાની સાથે હવે રાયડાની ખરીદી પણ શરૂ

આ સમગ્ર ખરીદી પ્રક્રિયા બગસરા ખેડૂત કાર્યકારી સેવા સહકારી મંડળી' દ્વારા સંભાળવામાં આવી રહી છે. ખેડૂતોની સુવિધા માટે ધારી રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે ખરીદી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને પોતાની મહેનતના યોગ્ય દામ મળી રહ્યા છે.

આ પણ વાંચો: Local body election 2026: મનસુખ માંડવીયાની સભા બાદ હોબાળો; ગેરકાયદે ડોમ મુદ્દે સ્થાનિકોએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા