અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં કોઈ નક્કર પરિણામ ન આવતા સદસ્યએ આ કઠોર નિર્ણય જાહેર કર્યો છે.
ગેરકાયદે દબાણો દૂર કરવા લાંબા સમયથી લડત
જૂની હળીયાદ ગામના વતની અને જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ વગડિયા દ્વારા ગામમાં રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. આ પૂર્વે 4 એપ્રિલ 2025ના રોજ ચંદુભાઈએ 127 જેટલા દબાણો દૂર કરવા આત્મવિલોપનની ચીમકી આપી હતી. જોકે, તે સમયે તંત્ર સાથે થયેલી વાટાઘાટોમાં સમાધાન સધાયું હતું.
દબાણદારોને નોટિસ પણ ફટકારવામાં આવી
સમાધાન મુજબ, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સરપંચ દ્વારા 22 જેટલા અતિ ગંભીર દબાણો દૂર કરવા સહમતી સધાઈ હતી. સરપંચ દ્વારા આ 22 દબાણદારોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં એક પણ દબાણ હટાવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆતો અને લેખિત નોટિસો છતાં તંત્રની સુસ્તી સામે રોષે ભરાયેલા ચંદુભાઈ વગડિયાએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે. તેમણે જાહેર કર્યું છે કે જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો તેઓ 2 ફેબ્રુઆરી 2026 ના રોજ આત્મવિલોપન કરશે.
ઉચ્ચ અધિકારીઓને જાણ
આ ગંભીર મામલે ચંદુભાઈએ ગત 19 જાન્યુઆરી 2026 ના રોજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક (SP) ને લેખિતમાં જાણ કરી છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે ગામમાં દબાણદારો બેફામ બન્યા છે અને લોકશાહી ઢબે રજૂઆત કરવા છતાં ન્યાય મળી રહ્યો નથી.
આ પણ વાંચો: કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો