ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બંદરોને જોડતા માર્ગોને મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા ચાંચબંદરથી વિક્ટર પોર્ટ સુધીની દરિયાઈ ખાડી પર 80 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે બનનારા નવા પુલનું રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
40 કિમીનો ફેરો હવે મિનિટોમાં કપાય જશે
ચાંચબંદર ગામ અંદાજે 10 હજારથી વધુની વસ્તી ધરાવે છે, જેમાં મુખ્યત્વે કોળી સમાજ અને શ્રમિક પરિવારો વસવાટ કરે છે. અત્યાર સુધી આ ગામના લોકોને રાજુલા કે અન્ય વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું. દરિયાઈ ખાડી વચ્ચે આવતી હોવાથી વિદ્યાર્થીઓ, મજૂરો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ પુલ બનવાથી હવે કલાકોની સફર માત્ર મિનિટોમાં પૂર્ણ થશે.
વર્ષો જૂની માંગ સંતોષાઈ
ચાંચબંદરના ગ્રામજનો દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયથી આ પુલ માટે રજૂઆતો કરવામાં આવતી હતી. આખરે, સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ સતત ફોલોઅપ લેતા આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
બ્રિજની ખાસિયતો અને ફાયદા
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બ્રિજની વિગતો આપતા જણાવ્યું હતું કે આ બ્રિજ અને એપ્રોચ રોડની લંબાઈ અંદાજે 2.1 કિલોમીટર રહેશે. દરિયાઈ ખાડી પર 22 ગાળા (Pillars) સાથે આ મજબૂત પુલનું નિર્માણ થશે. ચાંચબંદર ઉપરાંત ખેરા અને પટવા જેવા ગામોને પણ સીધો ફાયદો થશે. આ વિસ્તારના શ્રમિકો અને માછીમારો માટે આ બ્રિજ આર્થિક ઉન્નતિનું દ્વાર બનશે.
લોકોમાં ભારે ઉત્સાહ
આઝાદી પછી જે સુવિધાથી લોકો વંચિત હતા, તેનું સપનું સાકાર થતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ બદલ રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું કે, આ પુલ માત્ર રસ્તો નહીં પણ આ વિસ્તારના વિકાસની ભાગ્યરેખા બનશે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા