અમરેલી જિલ્લાના વડેરા ગામ ખાતે જળસંચયની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અહીં 1.05 કરોડ લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા એક નવા ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વિસ્તારની જમીનના તળ ઊંચા આવશે
આ ચેકડેમનું નિર્માણ જળસિંચન રાજ્ય વિભાગ હસ્તક કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 26.95 લાખ જેટલો છે. ચેકડેમનું નિર્માણ થતાં અમરેલી તાલુકાના વડેરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં સૌથી મોટો લાભ એ થશે કે જમીનના પાણીના તળ ઊંચા આવશે.આ પ્રોજેક્ટથી માત્ર વડેરા જ નહીં, પણ આસપાસના ગામોના કૃષિકારો સહિતના રહીશોને સીધો ફાયદો થશે. પાણીના તળ ઊંચા આવવાથી કૃષિ અને પિયત માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થશે.










