અમરેલીના ખાંભા નજીકના ચતુરી ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. અહીં એક માસૂમ બાળક પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ધસી આવેલી સિંહણે દાદાની નજર સામે જ બાળક પર ત્રાટકી તેને ઝૂંટવી લીધો હતો અને સીમ તરફ્ ભાગી ગઈ હતી. હેબતાઈ ગયેલા દાદાની બૂમાબૂમ સાંભળી ગ્રામજનો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરી શોધખોળ શરૂ કરી હતી. સિંહણ બાળકને અંદાજે એક કિલોમીટર દૂર ઘસડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ સીમમાંથી બાળકના માત્ર લોહીલુહાણ અવશેષો જ હાથ લાગતા પરિવાર સહિત ગામમાં ગમગીની વ્યાપી છે. આ ઘટનાથી સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે સિંહોની વસ્તી વધતા માનવ વસાહતોમાં તેમની રંજાડ અસહ્ય બની છે. જિલ્લામાં એક જ મહિનામાં સિંહના જીવલેણ હુમલાની આ ચોથી ઘટના છે, જેનાથી શ્રમિકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો