ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે જગતનો તાત કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાણીતા અને લોકપ્રિય હવામાન આગાહીકાર જયપ્રકાશ માઢક દ્વારા ચાલુ વર્ષના ચોમાસાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ આગાહી કરવામાં આવી છે. તેમની આ આગાહીથી ખેડૂતોમાં વાવણીને લઈને ઉત્સાહ વધ્યો છે.



કેરળમાં ચોમાસું બેસી ગયું, મુંબઈ તરફ ઝડપથી આગળ વધશે

જયપ્રકાશ માઢકે ભારતીય હવામાન વિભાગની જાહેરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગત 4 જૂનના રોજ ચોમાસું સત્તાવાર રીતે કેરળ પહોંચી ગયું છે. કેરળથી આગળ વધીને આ ચોમાસું ખૂબ જ ઝડપથી કોંકણ સુધી પહોંચી ગયું છે, જેના કારણે હાલ મહારાષ્ટ્રના દક્ષિણ કિનારે ભારે વરસાદી સ્થિતિ સર્જાઈ છે. સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી 10થી 11 જૂન આસપાસ ચોમાસું આર્થિક પાટનગર મુંબઈ સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે.


ગુજરાતમાં ક્યારે આવશે સારો વરસાદ?

આગાહીકાર જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 8 જૂનથી 22 જૂન દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે વાવણી લાયક વરસાદ 17 જૂનથી 21 જૂન વચ્ચે થવાના મજબૂત યોગો દેખાઈ રહ્યા છે. આ સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી થઈ જશે. આ ઉપરાંત જૂન મહિનાના પ્રથમ-બીજા સપ્તાહમાં જ ચોમાસું સમગ્ર દેશમાં ફેલાઈ જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.


અલ નીનો અને પાછોતરો વરસાદ

ચોમાસા પર અસર કરતા વૈશ્વિક પરિબળો અંગે વાત કરતા જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, અલ નીનોના પ્રભાવને લઈને વિવિધ વૈશ્વિક પરિબળો અને તેની સંભવિત અસરો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં એટલે કે પાછોતરો વરસાદ પણ ખૂબ સારો થવાની આશા છે. એકંદરે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આશાસ્પદ રહેવાના સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો - Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી


  • Follow us on: