આગામી રામનવમી અને રમઝાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સાવરકુંડલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસનું ફૂટ માર્ચ અને ચેકિંગ
ASP જયવીરસિંહ ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ અને રૂરલ પોલીસની ટીમોએ સંયુક્ત રીતે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફૂટ માર્ચ યોજી હતી. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડ ધરાવતી બજારોમાં પોલીસ કાફલાએ રૂટ માર્ચ કરીને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
