અમરેલી શહેરમાં વિકાસકામોની ગુણવત્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માત્ર એક માસ પૂર્વે જ તૈયાર થયેલા સીસી રોડના સેમ્પલ લેવામાં આવ્યા બાદ, હવે તે રોડ તોડવા માટેના આદેશો છૂટતા કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ભ્રષ્ટાચાર કે નબળી કામગીરીની આશંકા વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
એક માસ પહેલા બનેલા રોડના સેમ્પલ લેવાયા હતા
આ સમગ્ર મામલે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે પુષ્ટિ આપી છે કે, રૂટિન ઇન્સ્પેક્શન દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા નવા સીસી રોડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ અને કામગીરીની સમીક્ષા બાદ ઉચ્ચ કક્ષાએથી આદેશ મળ્યો છે કે જે રોડ માપદંડો મુજબ નથી તેને તોડી પાડવામાં આવે. આ નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થયું છે કે તંત્ર નબળી કામગીરી ચલાવી લેવાના મૂડમાં નથી.













