અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ડુપ્લીકેટ ખાતરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે તાલુકાના મોટા આંકડીયા ગામે ઓપરેશન હાથ ધરીને બનાવટી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. મોટા આંકડીયાથી પીપળલગ રોડ પર આવેલી 'નિરીમા એગ્રી પ્રોડક્સ' નામની ફેક્ટરીમાં હલકી ગુણવત્તાનું બનાવટી ખાતર બનાવવામાં આવતું હતું.
મોટા આંકડીયા ગામે ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ
SOGની ટીમે જ્યારે આ ફેક્ટરી પર દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી મોટા પાયે હલકી ગુણવત્તાનું મિશ્રણ અને બનાવટી ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹16,74,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરી સીઝ કરી દીધી છે. આ સમગ્ર કૌભાંડમાં તપાસ દરમિયાન લાલાવદરના વતની અને હાલ સુરત રહેતા ભરતભાઈ ચીમનભાઈ ધાનાણીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે.













