અમરેલી શહેરમાં આજે શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં હડકાયા થયેલા શ્વાનોએ એક પછી એક કુલ 33 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કરવાનું શરૂ કરતા લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા.


શાકમાર્કેટ અને ચાંદની ચોકમાં વધુ શિકાર

શહેરમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરાનો સમાવેશ થાય છે. અહીં લોકો પોતાની રોજિંદી ખરીદી માટે આવ્યા હતા ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો હતો. અમરેલી શહેરમાં જ માત્ર 30 લોકોને શ્વાન કરડ્યા છે, જ્યારે જિલ્લાના અન્ય ગામો જેવા કે વાંકિયામાં 1, બરવાળા બાવીસીમાં 1 અને ધારીમાં 1 વ્યક્તિ શ્વાનનો શિકાર બની છે. આમ, જિલ્લામાં કુલ 33 કેસો નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની કતાર

શ્વાન કરડવાને કારણે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ઓપીડી વિભાગમાં શ્વાન કરડવાના ઈન્જેક્શન અને સારવાર માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

  • Follow us on: