અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે માવઠાએ ખેતીવાડીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને તૈયાર થયેલા રવિ પાક, જેમાં ઘઉંનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.


બચાવના પ્રયાસો છતાં નુકસાન

ધારી તાલુકાના મોરજર ગામના ખેડૂતોએ હવામાનની આગાહીને પગલે પોતાનો પાક બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ખેડૂતોએ ઉતાવળમાં લીલા ઘઉં પણ થ્રેષરમાં કાઢવાનું શરૂ કરી દીધું હતું જેથી વરસાદથી બચાવી શકાય. જોકે, કુદરત સામે ખેડૂતો લાચાર સાબિત થયા હતા. વરસાદી પાણી ઘઉંના જથ્થામાં ફરી વળતા કાઢેલો પાક પણ પલળી ગયો હતો, જેના કારણે ઘઉંનો મોટાભાગનો જથ્થો નાશ પામ્યો છે.

ખેડૂતોની હાલત કફોડી

ધારી પંથકના અનેક ગામોમાં ખેડૂતોની વર્ષભરની કમાણી આ કમોસમી વરસાદમાં ધોવાઈ ગઈ છે. ઘઉંના પાકમાં થયેલા આ વ્યાપક નુકસાનને કારણે ખેડૂતો હવે દેવા નીચે દબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પંથકના ખેડૂતો હવે સરકાર પાસે આશ ભરી નજરે જોઈ રહ્યા છે કે તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરાય અને પીડિત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.

આ પણ વાંચો: Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત


  • Follow us on: