આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ 2024ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ 2025માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના સ્પષ્ટ દિશાનિર્દેશ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આ કામગીરીનો મૂળ હેતુ જિલ્લાના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો હતો, જેના સંતોષકારક પરિણામો મળ્યા છે.
2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા
જિલ્લા આરોગ્ય વિભાગમાંથી વિગતો મુજબ આણંદ જિલ્લામાં 2024ના વર્ષ કરતાં 2025ના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થયો છે. વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 70 કેસ થઈ ગયા છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો 17થી ઘટીને 6 ઉપર અને ચિકનગુનિયાના કેસો 7થી ઘટીને 6 ઉપર આવ્યા છે. આ ઘટાડો નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના સકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે.
7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો
આ કામગીરીની સફળતાના યશભાગી એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડીસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવેલ કામગીરી પણ નોંધપાત્ર રહી છે. આ માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના 4,16,116 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 13,71,964 પાત્રોની તપાસ કરીને 7,524 પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો. રોગના વાહકોને નાથવા માટે 23,552 જેટલા પાત્રોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું
માત્ર ઘરે-ઘર સર્વેક્ષણ જ નહીં, પરંતુ જનજાગૃતિ અભિયાન દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો (GIDC/ફેક્ટરી), સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત 2500થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ મેલેરિયા દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જેવા કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેથી પ્રજા પણ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સક્રિય બની શકે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના નેતૃત્વ હેઠળની આ ટીમના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે, જે તંદુરસ્ત આણંદના નિર્માણ તરફનું એક મહત્ત્વનું પગલું છે.
આ પણ વાંચો: Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ