આંકલાવ તાલુકાના ખડોલ (હ) નજીક આવેલી સિરાકોટ્સ કંપનીના બાજુમાં આવેલ ભાડાની જગ્યા પર રિએક્ટર ગોઠવવાની કામગીરી દરમિયાન અચાનક ક્રેન પલ્ટી મારી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ક્રેન નીચે દબાઈ જવાથી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સાગરભાઈ રયજીભાઈ પઢીયાર (ઉ.વ. 28), રહે. મુજકુવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક છેલ્લા ચાર વર્ષથી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. દુર્ઘટના સમયે ત્યાં હાજર અન્ય એક યુવક સમયસર સ્થળ પરથી દૂર ભાગી જતાં તેનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તેમજ આંકલાવ પોલીસનો કાફ્લો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બીજી તરફ્, મૃતકના પરિવારજનોએ કંપનીની ગંભીર બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનું આક્ષેપ કરતા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ યોગ્ય વળતર આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડી હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાને લઈને વિસ્તારમાં ભારે શોકની લાગણી સાથે કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને કામદારોની સલામતી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. હાલ આંકલાવ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો