આણંદ તાલુકાના વઘાસી ગામના ગામતળાવને નિયમોથી વધુ ઉંડુ ખોદી નાંખવામાં આવ્યુ હોવાની ફરીયાદો ઉઠી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે તળાવમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઉંડુ અને આડેધડ ખોદકામ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે. તળાવના પર્યાવરણ, જળસંચય અને જાહેર સંપત્તિના સંરક્ષણ સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ખાણખનીજ વિભાગ દ્વારા 3 થી 4 મીટર તળાવ ઉંડુ કરવાની પરવાનગીની આપવામાં આવી હતી. પરંતુ પરવાનગીની કરતા વધુ 15 થી 20 ફુટ ઉંડુ તળાવ ખોદી નાંખવામાં આવતા સતત દૈનિક ડમ્પરોના આવન જાવનના કારણે ગામના રસ્તાઓ જર્જરીત થયા છે. આ મુદ્દે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જળસંચય ક્ષેત્રના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે તળાવના વૈજ્ઞાનિક આયોજન વગર વધુ ઉંડુ ગોદકામ કરવાથી કિનારાઓ ધસી પડવાની શક્યતાઓ રહે છે. ઉપરાંત ભુગર્ભ જળ રીચાર્જની પ્રક્રિયા અને તળાવની કુદરતી રચના પર લાંબા ગાળે અસર થઇ શકે તેવો મત વ્યક્ત કર્યો છે. માટી ખનનના માફિયાઓ દ્વારા મંજુરી કરતા વધુ તળાવ ઉંડુ કરી માટીની મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પરવાનગીનીથી વધુ તળાવ ઉંડુ કરવામાં આવ્યુ હોય આ મુદ્દે હજુ સુધી કોઇ તપાસ કરવામાં ન આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. હકીકતમાં મંજુરી આપ્યા બાદ જે તે વિભાગ દ્વારા તેની ચકાસણી અને તકેદારી રાખવાની જવાબદારી હોવા છતા તંત્ર દ્વારા તેની માપણી કરી કાર્યવાહી કરવાના મુદ્દે પણ ઘોર દુર્લક્ષ સેવ્યુ હોવાનું ફલીત થયુ છે. જો કે નિયમથી વિરૂદ્ધ માટી ઉલેચવામાં આવી હશે તો જે તે જવાબદારો સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવનાર છે.
