પેટલાદ પંથકના ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખડાણા ગામના એક મુન્નાભાઈ એમબીબીએસને આણંદ એલસીબી અને મેડિકલની બનેલી સંયુક્ત ટીમે છાપો મારીને ઝડપી પાડયો હતો. પોલીસને તેની પાસેથી દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ કુલ 23444 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, ખડાણા ગામે આવેલા ટેકરાવાળા ફ્ળિયામાં બનાવટી ડોક્ટર દ્વારા મેડિકલ પ્રેક્ટીશ કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે નાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર અને તેમની ટીમ સાથે છાપો માર્યો હતો. જ્યાં ઉમંગભાઈ ગીરીશભાઈ શાસ્ત્ર્રી તબીબી પ્રેક્ટીશ કરતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે ગુજાત મેડિકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ પ્રકારની દવાઓ, દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો તેમજ પકડાયેલા ઉમંગભાઈની અંગજડતીમાંથી રોકડા 1220 સાથે કુલ 23444 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જણાવ્યા અનુસાર પકડાયેલા ઉમંગભાઈ શાસ્ત્ર્રીના દાદા ડોક્ટર હતા અને તેઓ દવાખાનું ચલાવતા હતા ત્યારબાદ તેના પિતાએ દવાખાનું ચાલુ જ રાખ્યું હતુ. ત્યારબાદ ફર્મસીનો અભ્યાસ છોડીને ઉમંગભાઈએ જાતે ડોક્ટર બનીને તબીબી પ્રેક્ટીશ શરૂ કરી દીધી હતી. જો કે તેની પાસેથી તબીબી સારવાર કરવા માટેની કોઈપણ ડીગ્રી કે પ્રમાણપત્ર મળી આવ્યુ નહોતુ. જેથી તેના વિરૂધ્ધ પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુજરાત મેડિકલ પ્રેક્ટીશ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.