બોરસદ રૂરલ પોલીસ દ્વારા ઓપરેશન મિલાપ અંતર્ગત છેલ્લા આશરે 18 મહિનાથી ગુમ થયેલી મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરીની સૂચના મુજબ પોલીસ સ્ટાફ્ દ્વારા ગુમ થયેલી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી મળેલી માહિતી, ટેકનિકલ મદદ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી પોલીસને મહત્વની કડી મળી હતી.બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગ નં. 05/2025ના કામે ગુમ થયેલી શાંતાબેન નટુભાઈ બાબુભાઈ તળપદા, રહે. વહેરા, તા. બોરસદ, આશરે દોઢ વર્ષ અગાઉ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર જતી રહી હતી. તેમના પુત્ર ચિરાગભાઈ નટુભાઈ તળપદાએ માતા ગુમ થયાની જાણ પોલીસને કરી હતી.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શાંતાબેન છૂટક મજૂરી કામે આવતા હરેશભાઈ જયંતીભાઈ શિયાળના પરિચયમાં આવ્યા બાદ તેમની સાથે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામે જઈને રહેતા હતા.બોરસદ રૂરલ પોલીસની ટીમે ખાનગી બાતમીદાર, ટેકનિકલ મદદ અને હ્યુમન સોર્સીસની મદદથી શાંતાબેનને શોધી કાઢી પરિવાર સુધી પહોંચાડયા હતા. લાંબા સમય બાદ માતાને પરત મળતાં પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો