આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકામાં તંત્રની અણઘડ કામગીરી અને આયોજનના અભાવે આકરી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના 3 અને પંચાયત વિભાગ હસ્તકના 7 મળીને કુલ 10 જેટલા મુખ્ય અને ગ્રામીણ રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવરટોપિંગ) વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. તાલુકાના જીચકા, મોટા ચીખલિયા, ચાંગડા, કનેવાલ અને જીણજ-પાદરા જેવા અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો હોય તેવી વરવી સ્થિતિ સર્જાઈ છે.   

સ્ટેટ વિભાગ હેઠળના તારાપુર-મોરજ-જીચકા રોડ, ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ અને જીણજ-પાદરા રોડ જેવા મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયાં છે, જેને તા. 27/07/2026 થી 28/07/2026 સુધીમાં માંડ પુનઃ કાર્યરત કરી શકાશે તેવી શક્યતા દર્શાવી તંત્રએ પોતાની લાચારી છતી કરી છે. આ ઉપરાંત પંચાયત હસ્તકના તારાપુર-રાજવાપુરા, મિલરામપુરા-ખડા, મિલરામપુરા-મોટા કલોદરા, મિલરામપુરા-કાનાવાડા, ખંભાત-ધુવારણ સ્ટેટ હાઈવે થી કલમસર પાટો અને ગુડેલ-ખાખસર રોડ પણ બંધ થઈ જતાં ગ્રામીણ વિસ્તારોમાં ભારે હાલાકી ઉભી થઈ છે.  

રસ્તાઓ બંધ થઈ જતાં સર્જાયેલી ઈમરજન્સી જેવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફ્ના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરીને તેમજ બોર્ડ-બેનરો લગાવીને માત્ર કાગળ પર ઈતિશ્રી કરી લેવામાં આવી છે. દર વર્ષે વરસાદી સીઝનમાં ઉભી થતી આ જળબંબાકારની સ્થિતિનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર સાવ નિષ્ફ્ળ નીવડયું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. સ્થાનિક સરપંચો અને ગ્રામજનોને માત્ર સાવચેત રહેવાની અને બંધ રસ્તાઓ પર ન જવાની અપીલ કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે રોજિંદી અવરજવર કરતા નાગરિકો, નોકરિયાતો અને ઈમરજન્સી વાહનો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. બીજી તરફ્, વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભા થવા પાછળ સરકારી વિભાગોની નીતિઓ અને ભ્રષ્ટ અને અણઘડ વહીવટ જવાબદાર હોવાના આક્ષેપો ઊઠયા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડાં અને ખેતરો આસપાસના રસ્તાઓને તાંત્રિક અભ્યાસ વગર ઊંચા કરી દેવામાં આવ્યા છે, જેનાથી પાણી વહી જવાનો કુદરતી માર્ગ જ રૂંધાઈ ગયો હવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે સાથે સિંચાઈ વિભાગ દ્વારા કાંસની યોગ્ય સફાઈ કરવામાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્યથી લઈને સંબંધિત સત્તાધીશો સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારી તંત્રના આ અણઘડ વહીવટનું પરિણામ આજે નિર્દોષ પ્રજા ભોગવી રહી છે, જેને લઈને પંથકમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો