આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્ધારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોના પુનગર્ઠન બાદની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ યાદી એવા સમયે પ્રસિધ્ધ કરવામાં આવી છે જ્યારે આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ વિધિવત રીતે જાહેર થઈ ચૂક્યો છે, અને આચારસંહિતા પણ લાગુ કરાઈ છે, જેને લઈ જાગૃતજનોમાં આ મતદારયાદીની પ્રસિધ્ધિને લઈ આૃર્ય વ્યાપ્યું છે. જોકે, પ્રાથમિક યાદી મુજબ તો આણંદ જિલ્લામાં 15 મતદાન મથકોને મર્જ કરવામાં આવ્યા છે. તેથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં હવે 1,912 મતદાન મથકો અસ્તિત્વમાં આવશે. આણંદ જિલ્લામાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેના કારણે 112 મથકોના સ્થળમાં ફેરફાર કરાયો છે. રાજ્યમાં હાથ ધરાયેલા મતદાર યાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ દરમિયાન મતદારોની કુલ સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાથી મતદાન મથકોની સંખ્યા પણ ઘટી છે. આણંદ જિલ્લામાં અગાઉકુલ 1,927 મતદાન મથકો મંજૂર કરાયા હતા. હવે નવા પુનર્ગઠન મુજબ જિલ્લામાં કુલ 1,912 મતદાન મથકોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લાના 99 સેક્શનોનું શિફ્ટીંગ પણ કરાયું છે. મતદાન મથકોના આ વ્યાપક પુનર્ગઠન હેઠળ ભૌગોલિક અને તકનિકી કારણોસર કુલ 112 મતદાન મથકોના મુળ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારા-વધારા સાથેની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીઓની કચેરી તેમજ મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓની કચેરીખાતે જાહેર જનતાના અવલોકન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો