બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ગ્રામ્ય વીસ્તારના નાગરિકોની કુલ 1826 અરજીઓ મળી હતી અને તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ છેવાડાના નાગરીકો સુધી એક જ સ્થળેથી પહોંચાડવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર પારદર્શિતા અને ત્વરિત કામગીરીના કારણે અલારસા કેમ્પમાં 100 ટકા અરજીઓનો નિકાલ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. જીલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં સૌથી વધુ 855 સાત-બાર અને આઠ-અના ઉતારા, 216 મિલકત આકારણીના ઉતારા તથા 149 જ્ઞાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉપરાંત જન્મ-મરણના 84 દાખલ અને આવકના 27 પ્રમાણપત્ર સહિત વિવિધ વ્યક્તિગત દસ્તાવેજોની કામગીરી સ્થળ પર પૂર્ણ કરાઈ હતી. સામાજીક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે 81 તથા રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 31 અરજીઓનો નિકાલ કરાયો હતો. 81 નાગરિકોને ભીમ એપ અંગે સહાય આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 71 નાગરિકોને મેડિસીન સારવાર તથા 18 નાગરિકોની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરી હેલ્થ વેલનેસ કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઈ-કેવાયસીની 41 અરજીઓ સહિત રેશનકાર્ડમાં નામ દાખલ કે કમી કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. કેમ્પ પૂર્ણ થાય ત્યાં સુધી એક પણ અરજી પડતર ન રહે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન કરીને કામગીરી હાથ ધરી હતી. સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ સુધારણ વિવિધ પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ અને બસ કન્સેશન પાસ સહિતની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડયા વિના ઘરઆંગણે જ સેવાઓનો લાભ મળ્યો હતો. કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી અમિતભાઈ પટેલ સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
