બોરસદ ટાઉન પોલીસે કુખ્યાત ચીખલીગર ટોળકીના ચાર સાગરિતોને ઝડપી પાડી ઘરફેડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત કુલ રૂ. 98,370નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ બંધ મકાનોની રેકી કરી ઘરફેડ ચોરીને અંજામ આપતા હોવાની હકીકત સામે આવી છે.
બોરસદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. કહારની સીધી દેખરેખ હેઠળ બોરસદ ટાઉન પોલીસની ટીમ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. દરમિયાન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. જાદવ તથા સર્વેલન્સ સ્ટાફ્ને બાતમી મળી હતી કે વડોદરા એકતાનગરની ચીખલીગર ગેંગના સભ્યો ચોરીના સાધનો સાથે વિસ્તારમાં રેકી કરવા ફોર-વ્હીલર કારમાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં નામઠામ પૂછતાં બલબીરસિંગ ઉર્ફે બલ્લી નેપાલસિંગ હરીસિંગ જુની (રહે. એકતાનગર, વડોદરા), કરણસિંગ ઉર્ફે કાના નાનકસિંગ લેના સિંગ ટાંક (રહે. કલોલ રેલવે સ્ટેશન પાસે), કીરપાલસિંગ ઉર્ફે ચીરુ ગુરમુખસિંગ નેપાલસિંગ જુની (રહે. એકતાનગર, વડોદરા) અને જુગનસિંગ ઉર્ફે જોગન ધારાસિંગ બકીલસિંગ બાવરી (રહે. મહેકર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
