આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જો કે સાંજે 6 વાગ્યા સુધીમાં 58.92 ટકા નીચુ મતદાન નોંધાયુ છે. મતદાનને લઇને સવારથી જ ભારે ઉત્તેજના અને ઉત્સુકતા વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ભાજપના સુમિત્રાબેન જયેશભાઇ પટેલ અને કોંગ્રેસમાંથી જેસંગભાઇ મહીજીભાઇ પરમાર તેમજ આમ આદમી પાર્ટીમાંથી મીલરામપુરા તાલુકા તારાપુરના અલ્પેશ જસુભાઇ પઢિયાર વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં કુલ પુરૂષ 13026 અને સ્ત્રી 12001 મળી કુલ 25027 મતદારો નોંધાયા છે. તે પૈકી સાંજે 5 વાગ્યા સુધીમાં 6879 પુરૂષ મતદારો અને 6180 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગ્રામીણકક્ષાએ વરસાદી માહોલ વચ્ચે પેટાચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યુ છે. નીચા મતદાનને લઇને ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વધુમાં વધુ મતદાન કરાવવા માટે દોડધામ મચાવી હતી અને બાકી રહેલા મતદારોને શોધીને મતદાનમથક સુધી લાવવા પ્રયત્નો હાથધર્યા હતા. જેમાં પાળજ, સીલવાઇ, આમોદ, જેસરવા, નાર, સાંસેજ, રામોદડી, સુંદરા અને માનપુરાના મતદારોએ મતદાન કર્યુ હતું. જો કે એક પણ બુથમથકના ઇવીએમની ફરિયાદો ચૂંટણી તંત્રને મળી નથી. જો કે નીચા મતદાનને કારણે ઉમેદવારોની ચિંતા વધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પેટા ચૂંટણીનું પરીણામ જિલ્લા પંચાયતના પ્રમુખપદનું ભાવી નક્કી કરશે. કારણ કે વર્તમાન પ્રમુખ મયુરીબેન પટેલનું આદિ જાતિ મહિલાનું સર્ટી ગુજરાત બહારનું હોય જેનો હાલમાં કાનુની વિવાદ ચાલી રહ્યો છે. જેથી પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલ આદિજાતી મહિલા હોય કાનુની ગુંચ ઉભી થાય તો સુમિત્રાબેન પટેલને પ્રમુખપદે સત્તારૂઢ કરવા માટે તખ્ખો ગોઠવાયો છે. 30 જુલાઇના રોજ પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કૂલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો