અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ભાલેજ જવાના રોડ ઉપર રાત્રિના સુમારે પસાર થતી એક ટ્રક કન્ટેનરમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આણંદ ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટરોએ ચાર કલાકની ભારે જહેમત બાદ 25 હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


મળતી માહિતી મુજબ મુંબઈથી એક ટ્રક કન્ટેનર બેડશીટનું મટિરિયલ તેમજ પુસ્તકો ભરીને દિલ્હી જવા માટે નીકળ્યું હતું. બુધવાર રાત્રિના દશેક વાગ્યાના સુમારે કન્ટેનર એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ભાલેજ જવાના રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે એકાએક ટ્રકની કેબિનમાં આગ લાગી હતી. જેને લઈને ચાલકે કન્ટેનરને સાઈડ પર ઉભું કરી દીધું હતું અને આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

બીજી તરફ કેબિનમાં લાગેલી આગ કન્ટેનરના પાછળના ભાગે પ્રસરી હતી અને અંદર ભરેલું બેડશીટનું મટીરીયલ્સ તેમજ પુસ્તકો પણ સળગવા લાગ્યા હતા. જેને લઈને કન્ટેનર ભડભડ સળગવા લાગ્યું હતું. આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોરની સૂચના અને માર્ગદર્શન મુજબ ફાયર બ્રીગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કન્ટેનર બંધ હોય તેને ખોલવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીની મદદથી કન્ટેનરને ખોલીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે 70 ટકાથી વધુનો સરસામાન અને કન્ટેનર સળગી જવા પામ્યા હતા. જેને લઈને એક કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ફાયરના જવાનોએ સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: