આણંદ રૂરલ પોલીસ મથકમાં વર્ષ 2007 માં નોંધાયેલા ગંભીર લૂંટના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો આરોપી સુરતમાંથી ઝડપાઈ જતા પોલીસે મોટી સફ્ળતા મેળવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી કોમ્બિંગ ઝુંબેશ દરમિયાન પેરોલ-ર્ફ્લો સ્ક્વોડે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.
આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 26/2007 હેઠળ ઈ.પી.કો. કલમ 395 અને 397 મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના ડુંગળી પાડા ફ્ળિયામાં રહેતા પ્રતાપભાઈ માધુભાઈ ડામોર (ઉં.વ. 47) સામે આરોપ હતો કે, વર્ષ 2007 માં વઘાસી ગામે 10 થી 15 મારક હથિયારો સાથે ફરિયાદીના મકાનમાં લૂંટ ચલાવી હતી અને અંદાજે રૂ.31 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલતો રહ્યો હતો અને છેલ્લા 19 વર્ષથી પોલીસ ચોપડે નાસતો ફરતો આરોપી જાહેર થયો હતો. આ દરમિયાન આણંદ જિલ્લા પોલીસ દ્વારા આંતરજિલ્લા તથા આંતરરાજ્ય વિસ્તારમાં રહેતા લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પેરોલ-ર્ફ્લો સ્ક્વોડના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી બાતમીદારો તથા ટેકનિકલ હ્યુમન સોર્સની મદદથી ફરાર આરોપીઓના આશ્રયસ્થાનો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પ્રતાપભાઈ ડામોર હાલમાં સુરત ખાતે મજૂરી કામ કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમ સુરત રવાના થઈ હતી. પોલીસ ટીમે સુરત ખાતે કાર્યવાહી કરી આરોપી પ્રતાપભાઈ માધુભાઈ ડામોરને ઝડપી પાડયો હતો.
