ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીની 79 મી વાર્ષિક સાધારણ સભા 17 જાન્યુઆરીને શનિવારે ડેરી સંઘના સરદાર પટેલ હોલ ખાતે ચેરમેન સાભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન વિજય પટેલની ઉપસ્થિતિમાં મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં સભા બોલાવી અનિવાર્ય હતી પરંતુ ડેરી સંઘની ચૂંટણીને લઇને ગત માસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાયા બાદ તાજેતરમાં મળેવી બોર્ડ બેઠકમાં વાર્ષિક સાધારણ સભા મુદ્દે નિર્ણય લેવાયો છે.
વાર્ષિક સાધારણ સભાની કાર્યસુચી ગત 27 સપ્ટેમ્બર 2024 ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાના પ્રોસેડીંગને બહાલી આપવી, વર્ષ 2024-25 દરમ્યાન થયેલ ખર્ચ તેમજ અંદાજ કરતા વધુ થયેલ મુડી - મહેસુલી ખર્ચને મંજુરી આપવી, 31 માર્ચના રોજ પુરા થતા વર્ષનું સરવૈયુ મંજુર કરવું, વર્ષ 2024-25 માં સંઘે કરેલા નફાની વહેંચણી મંજુર કરવી, વર્ષ 2025-26 માટે ખર્ચનું અંદાજપત્રક મંજુર કરવું, સંઘના હિસાબોના ઓડીટ મેમા અને તેના સુધારણા રિપોર્ટ, સંઘે વર્ષ 2024-25 દરમ્યાન ડેરીના વિસ્તરણ માટે કરેલા રોકાણો, સંઘના સુચિત રોકાણો, યોજનાઓ તથા ગુજરાત સહકારી કાયદાની કલમ 71 સાથે નિયમ 29 (સી) અને કલમ 163 (1) હેઠળ મંજુરીઓને બહાલી આપવી તેમજ નણાકીય વર્ષ માટે અમેરીકા અને સ્પેન ખાતે ઓડીટરની નિર્મણુંક કરવી, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ફાળા બાબતે નિર્ણય લેવો, દૂધ સંઘ દ્વારા અરડા ઉપકરણ હેડે પ્રતિલીટરે 0.30 પૈસા કપાત કરી અરડાને ચૂકવી આપેલ રકમને બહાલી આપવી, સંઘના કર્મચારીઓ અરડામાં પણ જરૂરિયાત સમયે ફરજ બજાવતા હોય તેઓના પગાર ભથ્થાને પણ બહાલી આપવી તદ્ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવનાર કામોને એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યા છે. બેઠકમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ઉપસ્થિત દૂધ ઉત્પાદકો, ડેરીસંઘના એજન્ડાના કામોને બહાલી આપશે.










