બોરસદ નગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે મામલો વહીવટી પારદર્શિતા પર સવાલ ઉઠાવતો 'હાજરી કાંડ' છે, જેમાં નિયમોને નેવે મૂકીને કર્મચારીઓને રજાના દિવસોનો પણ પગાર ચૂકવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર વિગત એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTI અરજી બાદ પ્રકાશમાં આવી છે.

7 કર્મચારીઓને 362 દિવસની હાજરી ગણી પગાર ચૂકવાયો

અરજદારે બોરસદ નગરપાલિકાના કુલ 190 કર્મચારીઓની હાજરી અને પગાર અંગેની વિગતો માંગી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે ચીફ ઓફિસર દ્વારા માત્ર 7 કર્મચારીઓની જ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી કે આ 7 કર્મચારીઓને વર્ષના 365 દિવસો પૈકી 362 દિવસની હાજરી ગણીને પગાર ચૂકવી દેવાયો છે.

સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો

સામાન્ય રીતે સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓમાં જાહેર રજાઓ, રવિવાર અને અન્ય રજાઓ બાદ કરતાં આટલી મોટી સંખ્યામાં હાજરી શક્ય નથી. આ આંકડા સૂચવે છે કે રજાના દિવસોમાં પણ આ કર્મચારીઓને કાગળ પર હાજર દર્શાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

ચીફ ઓફિસર પર આક્ષેપો

અરજદારનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસરે જાણી જોઈને ગેરરીતિ આચરી છે અને અમુક માનીતા કર્મચારીઓને આર્થિક લાભ કરાવ્યો છે. બાકીના 183 કર્મચારીઓની માહિતી છુપાવવી એ બાબત તરફ ઈશારો કરે છે કે કૌભાંડ મોટું હોઈ શકે છે. આ ગંભીર નાણાકીય અનિયમિતતાને પગલે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાદેશિક કમિશનરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર આચરનાર ચીફ ઓફિસરને તાત્કાલિક ફરજ મુક્ત કરવાની માંગ. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરના પગલાં ભરવાની માંગ. તમામ 190 કર્મચારીઓના રેકોર્ડની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.