આણંદ જિલ્લાની 11 પીએસયુ બેંકો બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકની 220 શાખા સહિતની બેંકોના 2 હજાર ઉપરાંતના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે શુક્રવારે હડતાલ ઉપર ઉતરતા 500 કરોડના ક્લિયરીંગ સહિતની કામગીરી ખોરવાઇ હતી. કર્મચારીઓએ આણંદ શહેરના બારદાનવાલા કોમ્પલેક્ષ પાસે બેંક ઓફ બરોડા ખાતે બેંકોના કર્મચારીઓએ ભારે સુત્રોચ્ચાર કરી સરકારની નીતિરીતિનો સખ્ત વિરોધ કર્યો હતો. રાષ્ટકૃત બેંકોના કર્મચારીઓ હડતાલ ઉપર જતા ત્રણ દિવસ બેન્કિંગ વ્યવહારો ખોરવાયા છે. જેમાં શુક્રવારે હડતાલ, બીજો શનિવાર અને રવિવારની રજાને પગલે અનેક લોકોના વ્યવહારો અટવાયા છે. કર્મચારીઓની માંગણી છે કે પાંચ દિવસ બેન્કિંગ સેવા કાર્યરત કરવા માટે પર્ફોમન્સ લીંક ઇન્સેટીવમાં ભેદભાવ દુર કરી સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનીટ વધુ કામકાજમાં વધારો કરવામાં આવશે. જેથી ગ્રાહકોની સેવાને કોઇ અસર પડશે નહી. બેન્કિંગનું કામ અનેક કારણોસર ખુબજ તણાવપૂર્ણ બની રહ્યુ છે. યોગ્ય વર્કલાઇફ બેલેન્સ કરવા માટે યુએફબીયુની કાયદેસરની માંગ છે કે બાકીના શનિવારને પણ અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજ અપવાનીને રજા જાહેર કરવામાં આવે 8 માર્ચ 2024 ના રોજ સેટલમેન્ટ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કારણ કે યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યુ હતું.

ડેપ્યુટી સીએલસી, ડીએફએસ અને આઇબીએનું ધ્યાન પણ દોરવામાં આવ્યુ હતુ કે પડતર રહેલા મુદ્દાઓ જેમ કે બેંકોમાં ક્લેરીકલ અને સબ સ્ટાફની પુરતી ભરતી, એનપીએસનું ઓપીએસમાં રૂપાંતર, એનપીએસ હેઠળ બેંકો દ્વારા ચાર ટકા વધારાના યોગદાન પર આવક વેરામાં મુક્તિ, ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ ગેજ્યુએટીની મર્યાદામાં વધારો, પેન્શનનું અપડેટ, પેન્શનપર સમાન ડીએ, નવેમ્બર 2022 પહેલાના પેન્શનરોના એક્સગ્રેસીયામાં સુધારો, તમામ ખાનગી બેંકોમાં એક્સગ્રેસીયા, બેંકોમાં વર્કમેન અને ઓફિસર ડિરેક્ટરની જગ્યા જાણી જોઇને ન ભરવી, લીવ બેંકની જરૂરિયાત, નિવૃત લોકો માટે તબીબી વીમા પોલીસી પર પ્રિમિયમ બેંકો દ્વારા વહન કરવામાં આવે જેવા મુદ્દા વણઉકેલ્યા હોય બેંકના કર્મચારીઓએ એકદિવસિય હડતાલ ઉપર ઉતરીને ઉગ્ર દેખાવો કરી સુત્રોચ્ચાર કરી માંગણીઓ પુરી કરવા ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.