ઉમરેઠ નજીક હમીદપુરા બ્રિજ પાસે આશીર્વાદ આાપવાના બહાને વડોદરાના દંપતિને વાતોમાં ભોળવી બાવા અને તેના સાથે ડ્રાઈવરે રૂ. 1.96 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે. દંપતિની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વડોદરાના નિરજકુમાર હર્ષદરાય દેસાઈ પત્ની મૃદુલાબેનને એક્ટીવા ઉપર બેસાડી ડાકોર દર્શન માટે નીકળ્યા હતા. સવારે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ હમીદપુરા ચોકડી પસાર કરી બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી એક કારે તેમનું વાહન અટકાવ્યું હતું. કારના ડ્રાઈવરે ગુજરાતી ભાષામાં મલાતજ જવાનો રસ્તો પૂછયો હતો. દરમિયાન કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા બાવાએ નિરજકુમાર પાસે પેન અને ચશ્મા માંગ્યા હતા. બાદમાં વાતોમાં ભોળવી તમે બહુ દિલવાળા છો તેમ કહી તેમના હાથમાં પહેરેલી ગુરૂના નંગવાળી આશરે દોઢ તોલાની સોનાની વીંટી ઉતરાવી લીધી હતી. ત્યારબાદ પત્નીને પણ આશીર્વાદ લેવા બોલાવી તેના હાથમાં પહેરેલો આશરે બે તોલાનો સોનાનો પાટલો ઉતરાવી લીધો હતો. બાવાએ બંનેના હાથમાં રૂ. 500ની નોટ મૂકીને તેનો ઉપયોગ નહીં કરવાની અને ઘરમાં સાચવી રાખવાની વાત કરી હતી. બાદમાં થોડું આગળ જવાનું કહીં બાવા અને ડ્રાઈવર કાર લઈને ઉમરેઠ તરફ ફરાર થઈ ગયા હતા. દંપતીએ એક્ટીવા ઉપર કારનો ડાકોર સુધી પીછો કર્યો હતો. પરંતુ આરોપીઓ હાથ લાગ્યા નહોતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે હમીદપુરા બ્રિજથી ઉમરેઠ તરફના સીસીટીવી ફુટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બાવાની ઉંમર આશરે 30 વર્ષ અને ડ્રાઈવરની ઉંમર 25 થી 28 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. બંને ગુજરાતી ભાષા બોલતા હતા. બાવાએ શરીર પર માત્ર કેશરી રંગનો દુપટ્ટો ધારણ કર્યો હતો. જ્યારે ડ્રાઈવરે સફેદ ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. કારનો નંબર ફરિયાદી જોઈ શક્યા નહોતા. પોલીસે સીસીટીવી ફુટેજ તથા મળેલા વર્ણનના આધારે બંને શખ્સોને ઝડપી પાડવાનો ધમધમાટ તેજ કર્યો છે.
