તારાપુર તાલુકામાં માત્ર બે દિવસમાં પડેલા અંદાજે 15 ઈંચ જેટલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારને પાણી-પાણી કરી દીધો છે. અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જનજીવન પર વ્યાપક અસર પડી છે. આ ભારે વરસાદ વચ્ચે તાલુકાનું ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતું કનેવાલ તળાવ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

કનેવાલ તળાવ તારાપુર-ખંભાત પંથક ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પણ પીવાનું પાણી પૂરું પાડતું મહત્વનું જળાશય માનવામાં આવે છે. ગત વર્ષે તળાવના બ્યુટિફ્કિેશન, તટબંધ વિકાસ, વોકવે, બગીચા અને અન્ય સુવિધાઓ પાછળ કરોડોથી વધુનો ખર્ચ થયો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે ભારે વરસાદ બાદ તળાવ આસપાસ કરવામાં આવેલા કેટલાક વિકાસ કાર્યોને નુકસાન પહોંચ્યાની ચર્ચાઓ સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે બ્યુટિફ્કિેશન દરમિયાન કનેવાલ તળાવ પર આધારિત અંદાજે 15 જેટલા ગામોના લોકોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. તે સમયે વિકાસના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ જ ભારે વરસાદમાં કામના ભાગો ધોવાઈ જવાના અહેવાલોથી લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો કામ ગુણવત્તાપૂર્વક થયું હોત તો વરસાદ સામે ટકી રહેત અને જો આયોજન મજબૂત હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં. અનેક સ્થળોએ માટી ધોવાઈ જવી, પાથરણાં ખસવું અને પાણીના પ્રવાહથી માળખાકીય નુકસાન થવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં શંકા વધુ ગાઢ બની છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી લોકો હવે ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે રૂ. 98 કરોડના કામની જવાબદારી કોણ લેશે? કામમાં ગેરરીતિ કે બેદરકારી થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? વિરોધ પક્ષના સ્થાનિક આગેવાનો દ્વારા પણ સમગ્ર પ્રોજેક્ટની તકનિકી તપાસ, ખર્ચની ઓડિટ અને જવાબદારી નિર્ધારિત કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. વરસાદે માત્ર તળાવ વિસ્તારને જ નહીં પરંતુ વિકાસના દાવાઓની ચમકને પણ ધોઈ નાખી હોય તેવી ચર્ચા ગામડાંઓમાં થઈ રહી છે. કનેવાલ તળાવના બ્યુટિફ્કિેશનના દાવાઓને વરસાદે અરીસો દેખાડયો હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. હવે સૌની નજર તંત્ર દ્વારા હાથ ધરાનારી તપાસ અને આગામી પગલાં પર ટકેલી છે.