ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભરોડા ગામમાં ભારે વરસાદ વરસતા ગામના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને મુખ્ય માર્ગ, ચોક બજાર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં અંદાજે બે થી ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને ઘર બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.વાહનચાલકો માટે પણ પરિસ્થિતિ પડકારજનક બની હતી. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી બે-ચક્રી તેમજ ચાર-ચક્રી વાહનો પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ભારે વરસાદના કારણે ગામની રોજિંદી કામગીરી થોડા સમય માટે સંપૂર્ણપણે વિખરાઈ ગઈ હતી.ગામના અનેક રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. જો કે વરસાદ બંધ રહેતા પાણી ઓસરી ગયા હતા અને લોકોને રાહત મળી હતી.
