રૂા. 33 કરોડના ખર્ચે નડિયાદ નજીકના વણસોલથી ઉમરેઠ સુધી તૈયાર કરાયેલા રસ્તાના નિર્માણમાં તંત્ર અને એજન્સીની સાંઠગાંઠમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવા માટે આર.ટી.આઈ.ના અરજદારોને માહિતી આપવામાં ગલ્લાંતલ્લા કરવામાં આવતા હોવાની વિગતો ઉજાગર થવા પામી છે.આઠેક માસ અગાઉ જ્યારે આ રસ્તાનું નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે પણસોરા ચોકડીથી લીંગડા, પરવટા અને ઉમરેઠ સુધીના માર્ગની સ્થિતિ જોતા તેમાં ઈરાદાપૂર્વક કેટલીક ક્ષતિઓ રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું.


જેને લઈ જાગૃતજનો દ્ધારા માહિતી અધિકારી અન્વયે સ્વખર્ચે રસ્તો બનાવવા પાછળનો ખર્ચ, નક્કી કરાયેલી એજન્સી, ટેન્ડરીંગ પ્રક્રિયા, રસ્તા પર મૂકવાના બોર્ડ તેમજ રસ્તાની લંબાઈ અને પહોળાઈ સહિતની ટેકનિકલ અને બીજી બાબતોને લગતી માહિતીની માગણી કરવામાં આવી હતી. જેની પાછળનો હેતુ રસ્તાના કામમાં પારદર્શિતા જળવાય અને સરકારી માપદંડ મુજબ રસ્તાનું નિર્માણ થાય એ હતો. આ રસ્તાનું કામ યોગ્ય રીતે થાય તે જોવાની સઘળી જવાબદારી આણંદના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના અધિકારીઓની હતી. પરંતુ ટેન્ડરીંગ પ્રક્રિયાથી લઈ આગળની સઘળી કામગીરી શરૂઆતના સ્ટેજથી જ શંકાસ્પદ લાગતી હતી. આમાય પણસોરા ચોકડીથી લીંગડા અને ઉમરેઠથી ડાકોરને જોડતા માર્ગ પર કરવામાં આવતી કામગીરી તો એટલી નબળી હતી કે તે ઉડીને આંખે વળગે તેવી હતી. જેને લઈ જાગૃતજનો દ્ધારા માહિતી અધિકાર હેઠળ માહિતીની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં પણ પણસોરા અને લીંગડા તરફના ગ્રામજનો દ્ધારા આ રસ્તાના કામ બાબતે તંત્રના ઈજનેરો અને એજન્સીમાં કામ કરતા માણસો સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ છતાં તેની ઐસીતૈસી કરવામાં આવી હતી. આર.ટી.આઈ.ના એક અરજદારે જણાવ્યું હતું કે, અંદાજે રૂા. 33 કરોડના રસ્તાનું આ કામ ટેન્ડરીંગની શરતો અને સરકારી માપદંડ મુજબ થતું નહોતું. રસ્તા પર ખોદવાના ખાડાની ઉંડાઈ, પહોળાઈ, ડામર કામ, આર.સી.સી.ના કામ ઉપરાંત અન્ય કામગીરીમાં પૂરતું મટિરિયલ્સનો ઉપયોગ કર્યા વિના કાગળ પર સબ સલામત હોવાનો દેખાડો કરવામાં આવતો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: