આણંદ જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરવા માટે ધરુવાડિયા તૈયાર કર્યા હોવા છતા વરસાદના કારણે વાવેતર કામગીરી વિલંબીત થઇ છે. ગતવર્ષે 24 જુલાઇ સુધીમાં જિલ્લામાં ડાંગરનું 41658 હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ગયુ હતું. જ્યારે 17 જુલાઇ સુધીમાં ડાંગરનું માત્ર 16781 હેક્ટરમાં વાવેતર થયુ છે. વરસાદની અનિશ્ચિતતાના કારણે વાવેતર માટે ખેડૂતોમાં મુઝવણ જોવા મળી છે. ગતવર્ષ કરતા વાવેતરના શરૂઆતના તબક્કામાં જ ડાંગરનું 25 હજાર હેક્ટરમાં હજુ વાવેતર થયુ નથી. જ્યારે બાજરી 622, જુવાર 9, મકાઇ 9, તુવેર 10, તલ 1, કપાસ 195, તમાકુ 8, ગુવાર 3, શાકભાજી 4853, ઘાસચારો 3953 મળીને જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 26444 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. ખેડૂતોએ મેં માસથી ખેતરોમાં ખેડાણ કરીને વાવેતર માટે તૈયાર કર્યા હતા. પરંતુ વરસાદ ખેંચાતા તેમજ છુટા છવાયા વરસાદના કારણે રોપણી માટે ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. તેમજ કેટલાક ખેડૂતોના ડાંગરના ધરવાડિયામાં પણ નુકશાન થયુ છે. દરવર્ષે જિલ્લામાં ખરીફ વાવેતરમાં ડાંગરનું ઉંચુ વાવેતર થતુ હોય છે. જેમાં ખાસ કરીને ભાલ પંથકના ખંભાત, તારાપુરમાં ડાંગરનું વધુમાં વધુ વાવેતર થાય છે. ધરતીપુત્રોને હરહંમેશા કુદરત ઉપર નિર્ભર રહેવુ પડે તેવી સ્થિતિ સમાયંતરે સર્જાતી હોય અલનિલોનની અસરના કારણે વરસાદની ઘટ સર્જાવાની ભીતીએ ધરતીપુત્રોએ અન્ય પાક તરફ વળવુ પડે તેવી સ્થિતિ હાલના સંજોગોમાં પ્રવર્તી છે. 

જિલ્લામાં વાવેતર હેક્ટર વિસ્તાર અને ઉત્પાદન તેમજ પોષણક્ષમ ભાવો ઉપર નિર્ભર ધરતીપુત્રોનું જીવનનિર્વાહ તેમજ દર રવી અને ખરીફ પાકના વાવેતરની સિઝન ઉપર કેટલાક ખેડૂતો સામાજિક પ્રસંગોના આયોજનો કરતા હોય છે. ત્યારે ચાલુવર્ષે વરસાદ ખેંચાતા તૈયાર કરાયેલા ધરવાડિયાનો ખર્ચ પણ તેઓના શીરે પડયો છે. સતત આર્થિક સંકટનો સામનો કરતા ધરતીપુત્રોનું ગ્રામીણ અર્થતંત્ર તેઓના ખેતીકાર્યો ઉપર નિર્ભર હોય આવનાર સમયમાં વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ધીરાણ મેળવ્યુ હોય તો તેમાં રાહત આપવા પણ માંગ પ્રવર્તી છે.