આણંદ જિલ્લામાં નવા જન્મ અને મરણના દાખલાની પળોજણ એટલી જટીલ બની છે કે હાલમાં છેલ્લા કેટલાક સમયથી 8 હજારથી વધુ અરજીઓનો જિલ્લા પંચાયતમાં ખડકલો થયો છે. જેને લઇને અરજદારોને ધરમધક્કા ઉપરાંત હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જેમાં ખાસ કરીને એનઆરઆઇ પ્રદેશ હોય વીઝા લેવા માટે કેન્સ્યુલેટ કચેરીમાં વીઝા ડેટ હોય, સ્કૂલના એડમિશનમાં બર્થ સર્ટિફિકેટ ફરજિયાત આપવાનું હોય, જાતિના દાખલા માટે ઉંમર અધિનિવાસમાં દાખલો આપવાનો હોય, આધારકાર્ડ અપડેટ કરવાનું હોયની પ્રક્રિયામાં લોકો પરેશાન થઇ રહ્યા છે. તેમ છતા પ્રજાલક્ષી મુદ્દે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોય રહીશોમાં નારાજગી પ્રગટી છે. અગાઉ તલાટી કમમંત્રી જવાબદારી સંભાળતા હતા ત્યારે અરજદારોને ત્વરીત સરળતાથી દાખલા ઉપલબ્ધ બનતા હતા. હવે ઓનલાઇન પોર્ટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ફરજિયાત મંજૂરી કરવામાં આવી હોય કામગીરી ખોરંભે પડી છે. વહીવટી તંત્રના પાપે ગામડા અને તાલુકા કક્ષાએથી રહીશોને વારંવાર જિલ્લા પંચાયત સુધી ધક્કા ખાવાની નોબત આવી છે. એક તરફ સતત અરજીઓનો ખડકલો થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ દૈનિક 10 થી 15 અરજીઓનો નિકાલ થતો હોય પ્રક્રિયા મંથરગતિએ ચાલતા ડિજિટલ ઇન્ડીયાની વાતો વચ્ચે લોકોની કામગીરી ટલ્લે ચઢી હોવા છતા નેતાઓ કે વહીવટી અધિકારીઓ માત્ર જાણે કે તમાશો નિહાળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી અરજદારોને જન્મ અને મરણનો દાખલો ક્યારે મળે તે સમય હાલના સંજોગોમાં નિશ્ચિત ન હોય અને બે માસથી વધુ સમય બાદ કોઇ ક્વેરી કરીને પરત મોકલવામાં આવે તેવા કિસ્સાઓમાં ભારે મુશ્કેલી સર્જાઇ છે. નિયત સમયમર્યાદામાં જન્મ અને મરણના દાખલા ન મળતા વારસાઇ હક્ક અને પેઢીનામાની પ્રક્રિયા મરણના કિસ્સામાં અટકી પડી છે. તદ્ઉપરાંત સર્ટિફિકેટના કારણે અનેક મહત્વના કામો મહેસુલી, સરકારી યોજનાઓ, બેન્કીંગ સેક્ટર સહિતના અનેક વિભાગો કે જ્યાં ફરજિયાત દાખલાની જરૂરિયા પડતી હોય તેવા તમામ કામો ખોરંભે પડતા પ્રક્રિયા લોકો માટે શીરદર્દ સમાન બની છે. જો અગામી સમયમાં આ મુદ્દે ત્વરીત નિર્ણય લેવામાં નહી આવે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો