તારાપુર તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરોનો ભય યથાવત છે. કાયદાની છટકબારીઓનો પૂરતો લાભ ઉઠાવીને વારંવાર ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરી દેતા એક જ બોગસ ડોક્ટરને અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રીજી વખત ઝડપી લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી વચ્ચે પશ્ચિમ બંગાળના ધોરણ-10 પાસ મિલટોન ઉર્ફે મિલન સાધુ નામના શખ્સે પચેગામમાં દરબારની ડેલીમાં આવેલા એક મકાનમાં ગેરકાયદે ક્લિનિક શરૂ કર્યું હતું. તારાપુર પોલીસ ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ખડા)ના મેડિકલ ઓફ્સિર ડો. આશિયાના સૈયદને સાથે રાખી દરોડો પાડયો હતો. સ્થળ પરથી એલોપેથીક સારવાર આપતો આ નકલી ડોક્ટર રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે રૂા.29,689/-ની કિંમતની એલોપેથીક દવાઓ જપ્ત કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963 મુજબ ગુનો નોંધ્યો છે. છેલ્લા માત્ર છ માસના ટૂંકા ગાળામાં તારાપુર તાલુકાના સાંઠથી બે, ટોલ, રીંઝા, મિલરામપુરા અને ખડામાંથી કુલ 7 જેટલા બોગસ ડોકટરો ઝડપાઈ ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ જાતની ડિગ્રી વગર આટલા બધા નકલી ડોકટરો લાંબા સમય સુધી દવાખાના ચલાવે છે, છતાં આરોગ્ય વિભાગની નજર કેમ નથી પડતી ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પકડાવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વગર સ્થળ બદલીને લોકોના જીવ સાથે રમત રમતાઆવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો