આણંદ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન વિવાદિત કુલપતિ ડૉ. કે બી કથિરીયાનો કાર્યકાળ સૌથી વધુ વિવાદમાં રહ્યો છે.
જેમાં તેલ કાંડ, યુનિ કેમ્પસના હનુમાનજી મંદિર, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ, સોલાર પેનલ સિસ્ટમ અને મળવાપાત્ર ન હોવા છતા પણ પગાર ભથ્થામાં મોંઘવારી ભથ્થુ મેળવી લેવા સહિતના અનેક મુદ્દે સમાયંતરે કુલપતિ એક યા અન્ય કારણોસર સતત વિવાદમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ઉસેડી લીધેલી રકમની વસુલાત માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આદેશ કરાયો હતો. તેમજ સિક્યોરીટીનો મુદ્દો વિજીલન્સ સુધી પહોંચ્યો હતો. ત્યારે વિવાદીત કુલપતિની કૃષિ યુનિવર્સિટીમાંથી વિદાય નિશ્ચિત બની છે. તેઓનો 3 માર્ચના રોજ કાર્યકાળ પુર્ણ થતો હોય નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની નિયુક્તિ કરવા માટે રજીસ્ટ્રારે રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જો કે કે.બી.કથિરીયાના કાર્યકાળમાં થયેલા અનેક વિવાદો તેઓની વિદાય બાદ અનેક પોપડા ઉખડે તો નવાઇ નહી. તેઓ વિવાદોથી ધેરાયેલા હોય કુલપતિ પદે રિપીટ થવાની કે પુનઃ નિયુક્તિ થવાની કોઇ શક્યતાઓ રહેલી ન હોય
તેઓની વિદાયને લઇને યુનિવર્સિટીમાં અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઇ છે.
મધ્ય ગુજરાતની કૃષિ ક્ષેત્રની અગ્રણી ગણાતી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિની શોધખોળ માટે અને વર્તમાન કુલપતિના વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ડૉ.કથિરીયા જ્યારથી યુનિવર્સિટીમાં મોભાદાર કુલપતિ પદે સત્તારૂઢ થયા ત્યારથી અનેક વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા છે. જેમાં પોતાના માનિતાએ કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના યુનિવર્સિટી કેમ્પસમાં તેલ વેચવાનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો હતો. તે મુદ્દે ફુડ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. બાદ યુનિમાં પ્રથમ વખત ત્રણ વર્ષ માટે 13 કરોડ ઉપરાંતની રકમનો સિક્યોરીટી કોન્ટ્રાક્ટ માનિતી એજન્સીને આપવામાં આવતા મામલો ગરમાયો હતો. અને લાયકાત ધરાવતી એજન્સીને કામ ન મળતા તેઓએ છેક ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. બાદ સૌથી વધુ વિવાદ કુલપતિએ મળવા પાત્ર ન હોવા છતા જંગી રકમ મેળવી લેવાના મામલે કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગે વસુલાતનો પણ આદેશ કર્યો હતો. કૃષિ યુનિવર્સિટીમાં 31 ઓગષ્ટ 2019 ના રોજ સંશોધન નિયામક વર્ગ 1 ની જગ્યા ઉપરથી વય નિવૃત્ત થયેલા ડૉ. કે.બી.કથિરીયાને કુલપતિ પદે માનદ વેતનથી નિમવામાં આવેલા 3 માર્ચ 2021થી જુલાઇ 2025 પેઇડ ઇન ઓગસ્ટ 2025 સુધી માસિક 2.10 લાખ અને તેના ઉપર સમાયંતરે જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ સ્પેશ્યલ એલાઉન્સ અને પેન્શનની રકમ ઉસેડી લીધી હતી. જો કે વસુલાતના આદેશ બાદ સમગ્ર મામલે કાર્યકાળ પુર્ણ થવાના સમય સુધી વસુલાત વિના જ ટર્મ પુર્ણ થાય તે દિશામાં તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચાઓ જાગી છે. જેને લઇને સરકારી તિજોરીને નુકશાન થવાની ભીંતી સેવાઇ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો