ઉમરેઠના નગરમાં આવેલા પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે અચાનક આગ ફટી નીકળતા ભાગમભાગ જેવા દૃશ્યો સર્જાયા હતા. આ કોમ્પ્લેક્સમાં આવેલી ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ વિસ્તરી હતી, જેના કારણે લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.


પ્રાપ્ત માહિતી મુજબ પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલી ફર્નિચરની દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે દુકાનમાં રહેલો મોટાભાગનો કિંમતી સામાન તેની લપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં દુકાનમાં વેચાણ માટે રાખેલા સ્માર્ટ ટીવી, લાકડાના કોતરણીકામ કરેલા મંદિર, પલંગ-બેડ, સોફસેટ, ઘરઘંટી તેમજ ઓફ્સિ ખુરશીઓ સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ ઉમરેઠ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલાં તેના પર કાબૂ મેળવી લેવાતા આજુબાજુના અન્ય દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો અને મોટી હોનારત ટળી હતી.આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જો કે આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: