આણંદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના હેતુથી પોલીસ દ્વારા યોજાયેલી કોમ્બિંગ નાઈટ દરમિયાન એલસીબી પોલીસે ચોરીની રીક્ષા સહિત કુલ રૂ. 3.85 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. તા. 27 ઓક્ટોબરની રાતથી તા. 28 ઓક્ટોબરની સવારે 6-05 વાગ્યા સુધી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે કરમસદ ગાના રોડ પર આવેલા રેલવે ફાટક નજીક શંકાસ્પદ હાલતમાં રીક્ષાને ધક્કો મારી લઈ જતા પાંચ શખ્સોને અટકાવ્યા હતા. તેમની પાસેથી રીક્ષા ઉપરાંત હોન્ડા સીટી કાર અને ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. વાહનો અંગે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસ તપાસ હાથ ધરી હતી. રીક્ષાના ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં રીક્ષાના માલિક દિલીપકુમાર બાબુભાઈ બારૈયા (રહે. કરમસદ)ના હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હોન્ડા સિટી કારના નંબરના આધારે તપાસ કરતાં તેના માલિક કૃણાલભાઈ ચિરાગભાઈ જોષી (રહે. બિલોદરા)ના હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતાં ચિરાગ રમેશભાઈ રાવળે જણાવ્યું હતું કે, આશરે બે દિવસ પહેલાં તેણે અને અન્ય સાગરિતોએ જીજ્ઞેશ કનુભાઈ રાવળ સાથે મળીને મોગરી-ગાના રોડ પર સરદાર પટેલ નવા રોડ પરથી રીક્ષા ચોરી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટે.શનમાં તપાસ કરતાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એક રીક્ષા, હોન્ડા સીટી કાર અને ચાર મોબાઈલ ફોનસહિત કુલ રૂ. 3,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પાંચેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે વિદ્યાનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો