આણંદ અને વડોદરાને જોડતા મુજપુર-ગંભીરા બ્રિજ 212 કરોડના ખર્ચે એક જ વર્ષના ટુંકા ગાળામાં તૈયાર થઇ ગયો હોય તેમજ બ્રિજના સ્ટ્રક્ચરના ટ્રાયલની કામગીરી પૂર્ણ થતા 20 મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રીજના પુલઆઉટ ટેસ્ટ, વાઇબ્રેશન મોનેટરિંગ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટની કામગીરી પૂર્ણ કરતા એક વર્ષે બ્રીજ ખુલ્લો મુકવામાં આવનાર હોય દૈનિક અપડાઉન કરતા લોકોને રાહત મળશે. 18 ઓગષ્ટથી બ્રીજના સ્ટ્રક્ચરની ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. ખુબ જ ઝડપી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે. અત્રે ઉલ્લેખનિય છે કે 9 જુલાઇ 2025 ના રોજ ગંભીરા બ્રીજ તુટી જતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જો કે તે જ સમયે રાજ્ય સરકાર દ્વારા ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરીને કન્ટ્રક્શન એજન્સીને કામ સોંપવામાં આવ્યુ હતું. આણંદ જિલ્લામાંથી વડોદરા, પાદરા સહિતના વિસ્તારોમાં દૈનિક હજારો લોકો નોકરી, કામ ધંધા અર્થે વડોદરા અને આણંદને જોડતા મુજપુર-ગંભીરા બ્રીજનો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ ગત વર્ષે જુલાઇ માસમાં અચાનક વહેલી સવારે 40 વર્ષ જુનો બ્રીજ તુટી પડતા 21 લોકોના મોત નિપજ્યા હતા જો કે ત્યારબાદ તત્કાલિન અસરથી બ્રીજના નવનિર્માણની કામગીરી સોંપવામાં આવતા એજન્સીએ એક વર્ષના ગાળામાં બ્રીજની કામગીરી પૂર્ણ કરી છે. આધુનિક ટેકનોલોજીથી ઇપોક્સિકોટેડ સ્ટીલ અને પ્રિ-કાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રીજ બનાવવામાં આવ્યો છે. જેમાં ઇપોક્સિકોટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય સ્ટીલને કાટ ન લાગે જેથી બ્રીજનું આયુષ્ય વધે છે. તેમજ ઝડપી અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે પ્રિ-કાસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લાંબાગાળે ઉભાકરાયેલા પીલરની જાળવણી અને ચકાસણીની કામગીરી સરળતાથી થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. હાલમાં બ્રીજ ઉપર લોડ ટેસ્ટીંગ તેમજ અન્ય ટેકનિકલી અને સુરક્ષાની ચકાસણીઓ ઝીણવટભરી રીતે હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો